પ્રેમની અતિશયોક્તી.
Jan 7th 2014hemapatelકવિતા & ચિન્તન
સમગ્ર સંસાર પ્રેમને આધારે ટકી રહ્યો છે. જો દુનિયામાં પ્રેમ ન હોય તો દુનિયા ટકે નહી. પ્રેમ દોરથી સમગ્ર સંસારના જીવ એક બીજા સાથે બંધાયેલ છે. પ્રેમ વીના જીવન શક્ય જ નથી. મનુષ્યના દરેક ભાવ જેવા કે કામ-ક્રોધ-મોહ-લોભ વગેરે મનને આધીન છે જ્યારે પ્રેમ એ આત્માનુ સ્વરૂપ ગણાય. મનુષ્ય શરીરમાં આત્મા એ અનંત છે. આત્મા એ આનંદ અને પ્રેમ સ્વરૂપ હોવાથી , દરેક વ્યક્તિના દિલમાં પ્રેમ ધડકતો રહે છે. પ્રેમના સ્વરૂપ બદલાય પરંતું તેનો ભાવ નથી બદલાતો. વ્યક્તિના એક બીજા સાથે સબંધ જેવા કે માતા-પિતા, ભાઈ-બહેન,સંતાન પ્રત્યેનો પ્રેમ,પતિ-પત્ની, મિત્રતા આમ એક બીજાના સબંધોને આધારે આપણે પ્રેમને જુદા સ્વરુપ આપ્યા છે. સૌથી શ્રેષ્ઠ માતાનો પ્રેમ ગણ્યો છે જ્યાં બિલકુલ લાલચ, કોઈ આશા, અપેક્ષા હોતી નથી, જ્યાં માના દિલમાં મમતાનુ ઝરણુ અવીરત વહેતુ રહે છે. બીજો શ્રેષ્ઠ પ્રેમ ભગવાનનો તેમના ભક્ત પ્રત્યેનો છે જેને એકદમ ઉંચો ગણ્યો છે.
હમણા જ એક સત્ય બની ગયેલો કિસ્સો સાંભળીને આ લેખ લખવાની પ્રરણા મળી. માતા-પિતાએ એકના એક દિકરાને ઈન્ડિયા જઈને લગ્ન કરાવી આપ્યા. છોકરો બ્રિટશ બોર્ન, પરંતુ માતા-પિતા અમેરિકા મુવ થયા એટલે દશ બાર વર્ષથી અમેરિકામાં રહે છે. આ છોકરો નાદાન, ભોળિયો, જેનાથી કપટ વગેરે કોસો દુર છે. એકદમ ડાહ્યો છોકરો.આ છોકરો તેની પત્નીને અનહદ પ્રેમ કરે છે.છોકરી આને બરાબર ઓળખી ગઈ, ગુજરાતના નાના ગામમાંથી આવેલી , અહિયાં આવીને તેની ફેશન વધી ગઈ એટલે તેની ખરીદી વધી ગઈ. મૉઘી મૉઘી ચપલ,સુઝ, ઘડિયાળ,કપડાં,ખોટી જ્વેલરી, રેસ્ટોરંટમાં ખાવા-પીવાનુ વગેરે વધી ગયુ. તેનો પતિ તેને પાણી માગતાં દુધ હાજર કરે. પૈસાનો આટલો મોટો બગાડ કરવા છતા તેણે તેને કોઈ દિવસ રોકી નથી કારણ શું ? કેમ કે તે તેને અતિશય પ્રેમ કરે છે, તેને પાગલની માફ્ક પ્રેમ કરીને જેમ એક પ્રેમી પ્રેયસીની પાછળ લટ્ટુ હોય એમ આ છોકરો તેની પત્ની પાછળ લટ્ટુ !!! જ્યારે પત્ની એટલી બધી શાણી અને ચાલાક તેના પતિના આ સ્વભાવનો ફાયદો ઉઠાવતી. પતિને તેના માટે જેટલો પ્રેમ હતો એટલો જ સાથે વિશ્વાસ પણ હતો.
આ છોકરો અમેરિકન સીટીઝન હોવાથી તેની પત્ની ત્રણ વર્ષમાં સીટીઝન થઈ ગઈ. સીટીઝન થઈ માંડ એક અઠવાડિયું થયુ એક દિવસ બધા કામે ગયા હતા ત્યારે દિવસના ટાઈમે તેનો બધો જ સામાન, બેન્ક લોકરમાંથી તેના સોનાના દાગીના વગેરે બેગમાં પેક કરીને લઈને ,ટેક્ષી કરીને ઘરેથી ભાગી ગઈ. રાત્રે એરપોર્ટથી તેના પતિને ફોન કર્યો હું અત્યારે એરપોર્ટ પર છુ હું કાયમ માટે તને છોડીને ચાલી ગઈ છું.ક્યાં જાય છે કેમ જાય છે કોઈ કારણ ન આપ્યું, એણે આ પરિવારને કેટલો મોટો ઝટકો આપ્યો. આ સમાચાર સાંભળીને પરિવારમાં બધાની શું હાલત થઈ હશે ? આ પરિવારનો શું વાંક ગુનો ? સાસુ મરતા ને પણ મર ન કહે , સસરા ખસ ન કહે, પ્રેમાળ પતિ, આ છોકરીને શેની ખોટ હતી ? શું પાગલની માફક તને તારો પતિ પ્રેમ કરે તે ગુનો છે ? કે પછી આ પ્રેમ પચાવતાં ન આવડ્યું , સુખને ઠોકર મારીને કોઈ કારણ વીના શેની શોધમાં નીકળી. એવુ લાગે છે પ્રેમની અતિ શયોક્તીથી તેનુ પેટ ભરાઈ ગયું અને આ પ્રેમ તેને પચાવતાં ન આવડ્યુ. આ કિસ્સો સાંભળીને એક વસ્તુ તો સમજવા મળી. દરેક વસ્તુને એક લિમીટ હોય, વસ્તુ લિમીટની બહાર જાય એટલે આવી અવદશા થાય. ખાલી એકલા દિલનુ ન સાંભળવાનુ હોય દિલની સાથે સાથે દિમાગનો પણ ઉપયોગ કરવો પડે, આ છોકરાએ થોડું તેના દિમાગનુ પણ સાંભળ્યું હોત અને પ્રેમ પણ હદમાં રહીને કર્યો હોય તો આવી અવદશા ન આવી હોત, પૈસા બગાડ્યા અને બૈરી પણ ગઈ.