કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહી ચીતરવું પણ ઉંધું ચીતરવું, એ અવર્ણવાદ! જેમ છે તેમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ તો અવર્ણવાદ ના કહેવાય, પણ બધુંજ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય.કોઈ પણ માણસમાં થોડું સારું હોય કે ના હોય ને થોડું અવળું પણ હોય છતાં એનુ બધુંજ અવળું બોલીએ ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય.અવર્ણવાદ એટલે આપણે એનુ જાણીએ, એની અમુક બાબતો જાણીએ છતાંય એની વિરુધ્ધ બોલીએ, જે ગુણો એનામાં નથી એવા ગુણોની બધી વાત કરીએ તો બધા અવર્ણવાદ. વર્ણવાદ એટલે જે છે એ બોલવું અને અવર્ણવાદ એટલે જે નથી તે બોલવું. અને આ મોટામાં મોટી વિરાધના કહેવાય. મોટા માણસો જે અંતરમુખ થયેલ છે તેના માટે બોલીએ તો એ અવર્ણવાદ કહેવાય અને સામાન્ય માણસો માટે જ્યારે ખોટું બોલાય તો તે નીંદા છે.
વિરાધના વાળો માણસ ઉંધો જાય, નીચલી ગતીમા જાય, અને અવર્ણવાદ તો, પ્રતિક્રમણ કરે એટલે વાંધો ન આવે. કોઈનુ અવર્ણવાદ બોલે અને પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખું થઈ જાય.
માણસ આરાધના કરતો હોય તો ઉંચે ચઢે અને વિરાધના કરતો હોય તો નીચે ઉતરે પરંતુ અપરાધ કરતો હોય તો બંને બાજુ માર ખાય. અપરાધવાળો પોતે આગળ વધે નહી અને કોઈને આગળ વધવા ના દે, એ અપરાધી કહેવાય. વિરાધના એ ઈચ્છા વીના થાય અને અપરાધ ઈચ્છાપૂર્વક થાય. બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે.
નીંદા એ વિરાધના ગણાય. કોઈની નીંદામાં ના પડવું, કીર્તન ના કરાય તો વાંધો નહી પરંતુ નીંદા ના કરાય. જબરજસ્ત નુક્સાન જો કદી આ જગતમાં હોય તો નીંદા કરવામાં છે. એટલે કોઈનીય નીંદા કરવાનું કારણ ના હોવુ જીઈએ. અહિયાં નીંદા જેવી વસ્તુ જ ના હોય આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું સાચું શું ખોટું ? ભગવાન કહે છે કે ખોટાને ખોટું જાણ અને સારાને સારું જાણ. પરંતું ખોટું જાણતી વખતે એના પર કિંચિત માત્ર દ્વેષ ના રહેવો જોઈએ, અને સારું જાણતી વખતે એના પર કિંચિતમાત્ર રાગ ના રહેવો જોઈએ. જ્ઞાનીની પાસેજ સમજાય.
કઠોર ભાષા નહી બોલવી જોઈએ, ૠજુ એટલે સરળ વાણી અને મૃદુ એટલે નમ્રતાવાળી ભાષા-વાણી.અત્યંત નમ્રતાવાળી હોય ત્યારે મૃદુ કહેવાય એટલે સરળ અને નમ્રતાવાળી ભાષાથી આપણે બોલવું અને એવી શક્તિ માગવી.કઠોર ભાષા બોલતા હોય એ અહંકારી હોય.તંતીલી ભાષા એટલે સ્પર્ધામાં જેમ તંત હોય એવું તંતે ચઢે, સ્પર્ધામાં ચઢે, એ તંતીલી ભાષા બહુજ ખરાબ હોય. કઠોર અને તંતીલી ભાષા બોલાય નહી. ભાષાના બધાજ દોષો આ બે શબ્દોમાં આવી જાય છે. હમેશાં શુધ્ધ વાણી બોલવાની શક્તિ, સ્યાદવાદ વાણી( કોઈને દુખ ના થાય એવી વાણી ) બોલવાની શક્તિ, મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિ ભગવાન પાસે માગવી જોઈએ.
( શ્રી દાદાભગવાન )