મેરા ભારત મહાન.
सों में से अस्सी गद्दार फीर भी मेरा भारत महान !!!
આતો સિક્કાની બે બાજુ છે, ૮૦ % ગદ્દાર હોય પરંતુ ૨૦ % તો સારા માણસો હજુ પણ વસે છે.
૮૦ % અધર્મના માર્ગ પર ચાલે છે તો, ૨૦ % ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે.
અને ૨૦ % ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છે એટલે તો દેશ ટકી રહ્યો છે.
દેશમાં અધર્મ એટલો બધે વધી ગયેલો છે,જ્યાં જોવો ત્યાં અનિતી કોને નીચા પાડીને આગળ વધવુ, બીજાની સંપત્તિ પર નજર, કેવી રીતે હડપ કરવી. ન કોઈ લાજ શરમ ! એકબીજા માટે ઈર્ષા ! રાજકારણ એકદમ ખરાબ. ન કોઈ કાયદાની વ્યવસ્તા અને જો હોય તો કોણ કાયદાને માને છે ?કાયદા તો ખીસ્સામા લઈને ફરવાનુ અને અને ખીસ્સામાં લઈને ન ફરે તો પણ પૈસા આપીને કામ તો થવાનુ જ છે. અને આપણે જનતા જ પૈસા આપીને કામ કઢાવીએ છીએ, આપણે જાતેજ ભ્રષ્ટાચાર ઉભો કરેલ છે. કામ જલ્દી થાય, ધંધાની અંદર ન થઈ શકે એવુ કામ કરાવવા માટે પણ પૈસાની ઓફર કરીએ છીએ. અરે ગાડી ચલાવતા હોઈએ અને સીગ્નલ તોડ્યુ છે, વન વે હોય અને ગાડી ઉંધી દીશામાં ચલાવી જલ્દી નીકળવાનો પ્રયાસ કર્યો, નો પાર્કીંગમાં ગાડી પાર્ક કરી, અને હવલદાર જો લાયસન્સ લઈ લેતો હવલદારને પૈસા આપીને તે જગ્યાએ વાત ખતમ કરવાનો પ્રયત્ન કરવાનો. આ તો આમ વાત બની ગઈ છે અને બધાજ આવું કરતા હોય છે. ભ્રષ્ટાચાર તો પરમસીમાએ પહોચેલો છે તેનો તો કોઈ ઉકેલ છે જ નહી. ભારતમાં જો સૌથી વધારે ખરાબ હોય તો તે છે રાજનેતા અને બીજો નંબર આવે છે ધર્મના ઠેકેદારો જે આશ્રમો લઈને બેઠા છે તે બાબાઓ જે ભોલીભાલી જનતાને લુંટવામાં સફળ થાય છે. અને પ્રજા પણ જુઓ ભણેલા ગણેલા માણસો પોતાની લાલચને ખાતર અંધ્ધ વિશ્વાસ રાખી બાબાઓના ચુંગલમા ફસાય છે. અભણ માણસો તો સમજીએ , તે લોકો નાસમજ છે પરંતુ શિક્ષિત માણસો બાબાઓની પાછળ ઘુમ્યા કરે તે તો ખરેખર દયાજનક સ્થિતી છે, અને આવા લોકો ઉપર હસવુ આવે.
મોટા શહેરોમાં ગંદકી બહુજ વધી ગયેલી છે અને એનુ કારણ પણ જનતા પોતે છે, ગંદકી વધારવામાં જનતા પોતે જવાબદાર છે. દેશમાં અંધાધુધી ફેલાએલી છે, ક્રાઈમ વધેલો છે, ચીજ વસ્તુના ભાવ આસમાને ચડેલા છે, મધ્યમ વર્ગ મોઘવારીમાં પીસાઈ રહ્યો છે, સ્ત્રીઓ ઉપર અત્યાચાર,વસ્તી વધારો, બેરોજગાર વધી ગયો છે, મોટા મુંબઈ જેવા શહેરોમાં ભાઈ લોકોનુ રાજ ચાલે,ભાઈ લોકોની દાદાગીરી, આટલી બધી ખામીઓથી ભરેલ આપણો દેશ છે, ખરાબ પાસાનુ વર્ણન કરીએ તો તેનો અંત ના આવે. છતાં પણ ખરેખર “મેરા ભારત મહાન”
સિક્કાની બીજી બાજુ
મારા દેશમાં સવારે ચાર વાગે કુકડાની બાંગ, સવારમાં કોયલના મીઠા બોલ કુહુ કુહુ જે સવારમાં સાંભળવાનો અનેરો આનંદ. સવારે મંદિરમા આરતી સમયે ઢોલ, નગારા, ઝાલર, શંખનાદ આ એક અનોખો અવસર અહિંયા પરદેશમાં ક્યાંથી મળવાનો છે ? ગરમા ગરમ ચ્હા ગમે ત્યાં, ગમે ત્યારે મળે. અમેરિકા દેશ તો ચ્હાને ઓળખતો નથી ચ્હા ક્યાંય ન મળે, ( સ્ટાર બક્ષ તાઝો ચાય આપે છે ) કોફી મળે પરંતુ ચ્હા ના મળે, હા કોલ્ડ ટી મળે હવે આ કોલ્ડ ટીમાં શું મઝા આવે ? જે ગરમા ગરમ ચ્હામાં મઝા આવે. અને આપણા દેશમાં ચ્હામાં પણ કેટલી વિવિધતા ! આદુ ઈલાયચી વાળી ચ્હા, એકલા દુધની ચ્હા,મસાલાવાળી ચા, ફુદીનો-લીલી ચા વાળી ચ્હા, કડક-મીઠી ચ્હા, સ્પેશીયલ ચ્હા, લશ્કરી ચ્હા.બાદશાહી ચ્હા.
ખાવાના કેટલા બધા વિવિધ વ્યંજન, જે આપણા ભારત દેશમાં છે એટલા દુનિયામાં ક્યાંય જોવા નહી મળે એક ડીશ આજે બનાવી હોય તો કદાચ બીજી ડીશનો નંબર દશ વર્ષ પછીથી આવે. તહેવારોની વિવિધતા અને તેની ઉજવણી લોકો હર્ષ ઉલ્લાસથી કરે. હોળી અને દિવાળી સૌથી મોટા તહેવાર છે. છતાં પણ લોકોને તો દરેક તહેવાર મોટો લાગે છે. જન્મ હોય, લગ્ન હોય ધુમ-ધામથી ઉજવાય, મરણની વિધી પણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન થાય, દરેક નાના પ્રસંગથી માંડી મોટા તહેવાર પ્રસંગો ધુમ-ધામથી ઉજવાય.પરદેશમાં વાર તહેવાર ખબર નથી પડતા મંદિર જઈએ ત્યાં તહેવાર છે એમ લાગે. ભારતમાં કેટલી બધી જુદી-જુદી ભાષા બોલાય છે, તેની તોલે દુનિયાનો કોઈ દેશ ના આવી શકે. દરેક પ્રાંતના પોતાના અલગ રિતી રિવાજ અને પોતાની અલગ ભાષા,અને પોતાનો અલગ પહેરવેશ. વિવીધ જાતીના લોકો વિવીધ જાતની ‘અટક’ . કેટલા બધા ભગવાન ! કેટલા બધા જુદા-જુદા ધર્મ અને સંપ્રદાયો ! દરેક વસ્તુમાં વિવીધતા ! સંગીત અને નૃત્યની સાથે પણ બીજો કોઈ દેશ બરાબરી ન કરી શકે. ખરેખર બધુ વિચારીએ તો ચક્કર આવી જાય, પરંતુ સાથે સાથે આપણા દેશ માટે ગર્વ પણ થાય. સુખ-દુખમાં પાડોશીઓ પણ આવીને ઉભા રહે. આપણા દેશમાં હજુ પણ પ્રેમ-ભાવ અને ભાઈચારો છે અને તેને લીધે હજુ પણ સુખી સંયુક્ત કુટુંબો જોઈ શકીએ છીએ. સારી વસ્તુઓ પણ અઢળક છે તેનુ વર્ણન કરાવા બેસીએ તો ઘણુ ઘણુ લખાય.
ભારત દેશ સારો છે કે ખરાબ છે તે મારી જન્મ ભૂમિ-માતૃ ભૂમિ છે અને મને મારી માતૃ ભૂમિ ઉપર ગર્વ છે. મને મારી માતૃ ભૂમિ માટે પ્રેમ છે. મીંરા, મહેતા નરસિંહ, ધ્રુવ-પ્રહલાદ અને ગાંધીજીએ જ્યાં જન્મ લીધો. રામ-કૃષ્ણની ભુમિ, ઋષિ-મુનિઓની ભુમિ જેઓએ સંસ્કાર સિંચ્યા, સંસ્કૃતિ ઉભી કરી અને જીવન જીવવાનો શ્રેષ્ઠ રાહ બતાવ્યો. ભારતની સંસ્કૃતિની સાથે આખી દુનિયામાં કોઈ ન આવે. અને એટલાજ માટે જ ખરેખર
” મેરા ભારત મહાન “