સ્મૃતિ.
મનુષ્ય જીવન તરફ ધ્યાનથી નજર કરીશુ તો ઘણી બધી વસ્તુઓ, જેને આપણે તે વસ્તુ
મહત્વની નથી એમ સમજીને આપણે હમેશાં નજર અંદાજ કરીએ છીએ. પરંતુ તે જ નાની
વસ્તુઓ, નાની વાતો, બહુજ મહત્વની છે જે જાણવા માટે ક્યારેય પ્રયત્ન નથી કરતા. અને
એ નાની નાની વસ્તુઓમાં પણ તત્વજ્ઞાન સમાએલુ છે .
બાળકનો જન્મ થાય તે પહેલાં નવ માસ બાળક માતાના ગર્ભમાં રહે છે. જ્યારે બાળકનો જન્મ
થાય છે ત્યારે બાળકને માતાના ગર્ભમાં જે સમય વિતાવ્યો છે તે સમય તેને બિલકુલ યાદ
હોતો નથી. ધીમે ધીમે બાળક મોટુ થાય તેમ તેના શરીર અને તેના મગજનો વિકાસ થાય.
બાળક જ્યારે એકદમ પુક્તવયનુ થાય ત્યારે તેને અઢીથી પાંચ વર્ષનો જે સમય છે તે થોડો
થોડો યાદ હોય. આ રીતે પાંચથી દશ વર્ષનો સમય થોડો વધારે યાદ હોય . અને દશ વર્ષ
પછીના કદાચ જીવનના બધાજ પ્રસંગો યાદ હોય . મોટા થયા પછી પાંચ વર્ષ પહેલાનો
સમય ક્દાચ બિલકુલ ભુલી જવાય, પરંતુ જો યાદ શક્તિ તિવ્ર હોય તો અઢીથી પાંચ વર્ષના
સમયના અમુક પ્રસંગો યાદ હોય .
હવે વિચાર એ આવે કે જો આપણને માતાના ગર્ભમાં નવ માસનો સમય જો દરેકને અગર
યાદ રહેતો હોત તો આ જીવન પ્રત્યે કેટલી નફરત થાય . ગંદકીમાં કેદ કર્યા હોય, નવ માસ
બહારની દુનિયા જોઈ શકાય નહી , જન્મ લેતા પહેલાજ આપણે કેદમાં રહીને આવીએ છીએ .
ખરેખર તો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે જેણે આપણા શરીરની રચના એવી રીતે
કરી છે જે વસ્તુ આપણે યાદ નથી રાખવાની, જેની કોઈ જરૂર નથી તેની સ્મૃતિ રહે એટલા
ક્ષમ્ય આપણને બનાવ્યા નથી .નહીતો ક્યારેય ફરીથી જન્મ લેવાનુ કોઈને પણ મન ન થાય.
આપણે તો મનુષ્ય, પતિ-પત્નિ સાત જનમના બંધનમાં રહેવા માગીએ છીએ .કોઈ પણ જીવન
હોય, પશુ-પક્ષી કે પછી મનુષ્ય, ગર્ભનો કારાવાસ યાદ રહે તો વૈરાગ્ય આવી જાય .અનેક જાતના
કર્મો કર્યા હોય તેમાં સ્વભાવીક છે દરેકના જીવનમાં પુણ્ય કર્મો કરતાં પાપ કર્મો વધારે હોય .તેની
સજા બીજા જન્મમાં તો ભોગવવાની છે .પરંતુ આપણે પાપ કર્મો ભોગવીએ તે પહેલાં ભગવાન
આપણને નવમાસની કારાવાસ જેલ યાત્રા કરાવે છે અને પછીથી ધરતી પર મોકલે છે .
મૃત્યુ થાય અને બીજો જન્મ લઈએ તે વચ્ચેનો ગાળો જે છે,તે દરેક વસ્તુ
માણસ ભુલી જાય છે. દરેક માણસને આગલા જન્મની કોઈ પણ સ્મૃતિ હોતી નથી. તેનુ
મગજ કોળા કાગળ જેવુ હોય છે .આપણા ઉપર ભગવાનની બહુ મોટી મહેરબાની છે
તેનો ઉપકાર માનવો જોઈએ કે જેણે દરેક વસ્તુ ધ્યાનમાં રાખીને આપણા શરીરની
આપણા મગજની રચના કરી છે. અગર જો દરેક વ્યક્તિને આગલા જન્મની બધી વસ્તુ
યાદ હોય તો ધરતી પર કેટલુ તાંડવ મચી જાય .બધાજ એક બીજાનો બદલો લેવામાં
આતુર બને , વેર ઝેર વધતા જાય અને તેનો કોઈ ક્યારેય અંત ન આવે ભગવાન
દયાળુ છે જેણે વિશ્વ શાન્તિ માટે , એક બીજા માટે પ્રેમ ભાવ વધે એટલા માટે આપણા
શરીરની ખાસ રચના કરી . અને પ્રભુ આપણી પાસે શાન્તિ અને પ્રેમની અપેક્ષા રાખે છે .